Skip to content

Indian Revised Version — Gujarati (2019)

રોમનોને પત્ર 13

1દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે; 2એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવ વિરુદ્ધ થાય છે અને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાના પર શિક્ષા વહોરી લેશે. 3કેમ કે સારાં કામ કરનારને અધિકારી ભયરૂપ નથી, પણ ખરાબ કામ કરનારને છે. અધિકારીની તને બીક ન લાગે, તેવી તારી ઇચ્છા છે? તો તું સારું કર; તેથી તે તારી પ્રશંસા કરશે. 4કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે; પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તલવાર રાખતો નથી; તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે. 5તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ. 6વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે અધિકારીઓ ઈશ્વરના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે. 7પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન. 8એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે. 9કારણ કે ‘તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, ‘પોતાના પડોશી પર પ્રેમ રાખવો.’” 10પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમશાસ્ત્રનું સંપૂર્ણ પાલન છે. 11સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે; કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો, તે કરતાં હાલ આપણો ઉદ્ધાર નજીક આવેલો છે. 12રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ. 13દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ. 14પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.

Keep going

Indian Revised Version — Gujarati (2019). Indian Revised Version (Gujarati), Bridge Connectivity Solutions, CC BY-SA 4.0, via eBible.org. Inline cross-reference notes removed..

Books

✦ Explain this verse with AI AI explanations, Bible Q&A, characters, maps and more — in the Truth of Bible app →

Reading settings

Theme
Text size
100%
Layout

Loading the Bibles…

Your choice is remembered on this device and used for reading, search and the verse screen.