Skip to content

Indian Revised Version — Gujarati (2019)

નીતિવચનો 4

1દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, સમજણ મેળવવા માટે ધ્યાન આપો. 2હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ. 3જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો, 4ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે. 5ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ. 6ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે. 7ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે. 8તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે. 9તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.” 10હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે. 11હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ. 12જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ. 13શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે. 14દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. 15તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા. 16કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે. 17કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે. 18પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે. 19દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી. 20મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ. 21તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ. 22જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે. 23પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે. 24કુટિલ વાણી તારી પાસેથી દૂર કર અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ. 25તારી આંખો સામી નજરે જુએ અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે. 26તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય. 27જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; દુષ્ટતાથી તારો પગ દૂર કર.

Keep going

Indian Revised Version — Gujarati (2019). Indian Revised Version (Gujarati), Bridge Connectivity Solutions, CC BY-SA 4.0, via eBible.org. Inline cross-reference notes removed..

Books

✦ Explain this verse with AI AI explanations, Bible Q&A, characters, maps and more — in the Truth of Bible app →

Reading settings

Theme
Text size
100%
Layout

Loading the Bibles…

Your choice is remembered on this device and used for reading, search and the verse screen.