Skip to content

Indian Revised Version — Gujarati (2019)

યશાયા 43

1પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા અને હે ઇઝરાયલ, તારા બનાવનાર યહોવાહ એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. 2જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ. 3કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર તારો ઉદ્ધારનાર છું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. 4કેમ કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન તથા સન્માન પામેલો છે, મેં તારા પર પ્રેમ કર્યો છે. તેથી હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ. 5તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; હું તારાં સંતાન પૂર્વથી લાવીશ અને પશ્ચિમથી તેઓને એકત્ર કરીશ. 6હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે;’ અને દક્ષિણને કહીશ, ‘તેઓને અટકાવીશ નહિ;’ મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ, 7જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે, જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ; મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે. 8જે લોકો આંખો હોવા છતાં અંધ છે અને કાન છતાં બધિર છે, તેઓને આગળ લાવ. 9સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’ 10યહોવાહ કહે છે, “તમે મારા સાક્ષી છો,” અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી. 11હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉદ્ધારક નથી. 12મેં તો જાહેર કર્યું છે, બચાવ કર્યો છે અને સંભળાવ્યું છે, કે તમારામાં કોઈ અન્ય દેવ નથી. તમે મારા સાક્ષી છો” અને “હું જ ઈશ્વર છું” એમ યહોવાહ કહે છે. 13વળી આજથી હું તે છું અને કોઈને મારા હાથમાંથી છોડાવનાર કોઈ નથી. હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે?” 14તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર યહોવાહ કહે છે: “તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશ અને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે. 15હું યહોવાહ, તમારો પવિત્ર, ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું.” 16જે યહોવાહ સમુદ્રમાં માર્ગ અને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે, 17જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે. 18તમે અગાઉની વાતોનું સ્મરણ કરશો નહિ, પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ. 19જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી? હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. 20જંગલનાં હિંસક પશુઓ, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે, કારણ કે, મારા પસંદ કરેલા લોકોને પીવા માટે હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. 21મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, જેથી તેઓ મારી સ્તુતિ કરશે. 22પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી કાયર થઈ ગયો છે. 23તારાં દહનીયાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી. 24તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે. 25હું, હા, હું એ જ છું, જે પોતાની ખાતર તારા અપરાધોને માફ કરું છું; અને તારાં પાપોને હું સંભારીશ નહિ. 26જે થયું તે મને યાદ કરાવ. આપણે પરસ્પર વિવાદ કરીએ; તું તારી હકીકત રજૂ કર જેથી તું ન્યાયી ઠરે. 27તારા આદિપિતાએ પાપ કર્યું અને તારા આગેવાનોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે. 28તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે; હું યાકૂબને વિનાશના બંધનમાં તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખીશ.

Keep going

Indian Revised Version — Gujarati (2019). Indian Revised Version (Gujarati), Bridge Connectivity Solutions, CC BY-SA 4.0, via eBible.org. Inline cross-reference notes removed..

Books

✦ Explain this verse with AI AI explanations, Bible Q&A, characters, maps and more — in the Truth of Bible app →

Reading settings

Theme
Text size
100%
Layout

Loading the Bibles…

Your choice is remembered on this device and used for reading, search and the verse screen.